જીવનમાં દરેક કામ શ્રેષ્ઠ કરવાનું ઘ્યેય રાખો-એન.રઘુરામન
એક જગ્યાએ કોઈ મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું. એક વ્યકિત ત્યાં આવીને જુએ છે કે એક મૂર્તિકાર ભગવાનની પ્રતિમા બનાવવામાં મગ્ન છે. અચાનક તે વ્યકિતને ભગવાન જેવી જ એક મૂર્તિ તેની નજીકમાં જોવા મળે છે. તેણે આશ્ચર્યચકિત થઈને મૂર્તિકારને પૂછ્યું કે શું તમે એક જેવી જ બે પ્રતિમાઓ બનાવી રહ્યા છો? મૂર્તિકારે તેમના તરફ જોયા વગર જ જવાબ આપ્યો કે ના, અમને એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ પ્રથમ મૂર્તિ નિર્માણના અંતિમ તબક્કામાં ખંડિત થઈ ગઈ હતી.
વ્યક્તિએ તે પ્રતિમાને ઘ્યાનથી જોઈ, પરંતુ તેમાં તેને ક્યાંય પણ ખોટ દેખાઈ નહીં. તેણે મૂર્તિકારને ફરીથી પૂછ્યું, અંતે આમાં ખોટ કયાં છે? પોતાના કામમાં વ્યસ્ત મૂર્તિકારે જવાબ આપ્યો, આ મૂર્તિના નાકમાં નાનકડી તિરાડ પડી ગઈ છે. વ્યકિતએ પૂછ્યું કે આ પ્રતિમાને કયાં સ્થાપિત કરવામાં આવશે? મૂર્તિકારે જવાબ આપ્યો કે તેને ૨૨ ફૂટ ઊચા થાંભલા પર પ્રસ્થાપિત કરવામાં આવશે.
વ્યકિતએ ફરી સવાલ કર્યોકે જો મૂર્તિને આટલી ઊચાઈએ સ્થાપિત કરવાની હોય તો પછી નાકમાં તિરાડ છે એવી કોને ખબર પડશે? મૂર્તિકારે પોતાનું કામ રોકી દીધું. તેણે તે વ્યકિત તરફ જોયું અને હલકા સ્મિત સાથે બોલ્યો, હું જાણું છું અને ભગવાન પણ આ જાણે છે.
પોતાનું દરેક કામ સચોટ કરો એટલા માટે નહીં કે કોઈ બીજું તેને જોઈને તેના વખાણ કરે, પરંતુ પોતાની સંતુષ્ટિ માટે કરો. રાલ્ફ માસ્ટર્નના અનુસાર, ઉત્કૃષ્ટતા વ્યવસાય નહીં પરંતુ પ્રવૃત્તિ છે. ફંડા એ છે કે શ્રેષ્ઠ હોવાની આકાંક્ષા એ તથ્યથી અલગ હોવી જોઈએ કે કોઈ તેના વખાણ કરે છે કે નહીં. ઉત્કૃષ્ટતા અંદરથી આવે છે, બહારથી નહીં.
Posted on March 23, 2011, in Uncategorized. Bookmark the permalink. Leave a Comment.
Leave a Comment
Comments (0)